ઇત્તિહાદુલ મુસ્લેમીન-એ-હિન્દ ટ્રસ્ટ દ્વારા ચાલતા લુણી મધ્યે ના સ્વનિર્ભર તાલીમ કેન્દ્ર ની તાલીમાર્થી બહેનો ને પ્રમાણપત્ર એનાયત કરાયા
મુન્દ્રા તાલુકાના લુણી ખાતે તા. ૩૦/૦૧/૨૦૨૬, ઈત્તિહાદુલ મુસ્લેમીન-એ હિન્દ ટ્રસ્ટ દ્વારા સંચાલિત સ્વનિર્ભર તાલીમ કેન્દ્રો કચ્છ જિલ્લા ભરમાં સફળતાપૂર્વક ચાલી રહ્યા છે. આ કેન્દ્રો ખાસ કરીને મહિલાઓને વ્યવસાયિક કૌશલ્યો શીખવીને આત્મનિર્ભર બનાવવાના ઉદ્દેશ્ય સાથે શરૂ કરવામાં આવ્યા છે. આ પૈકી મુન્દ્રા તાલુકાના લુણી ગામમાં આવેલા સ્વનિર્ભર તાલીમ કેન્દ્રમાં તાજેતરમાં એક પ્રમાણપત્ર વિતરણ સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં સંસ્થાના કચ્છ મહિલા સમિતિના પ્રમુખ શબનમબેન મલિક તથા તાલીમ કેન્દ્રના અનુભવી ટ્રેનર રશીદાબેન ભટ્ટી ના વરદ હસ્તે તાલીમાર્થી બહેનોને પ્રમાણપત્રો એનાયત કરવામાં આવ્યા હતા. આ પ્રસંગે તાલીમ પૂર્ણ કરનારી બહેનોમાં ખુશી અને આત્મવિશ્વાસનો ભાવ જોવા મળ્યો હતો.
કાર્યક્રમ દરમિયાન સંસ્થાના મહિલા સમિતિના પ્રમુખ શબનમબેન મલિક એ સ્વનિર્ભર તાલીમ કેન્દ્રોની ટૂંકી રૂપરેખા રજૂ કરતાં જણાવ્યું હતું કે, "આજના વર્તમાન સમયમાં હુન્નર (કૌશલ્ય) શીખવું અત્યંત જરૂરી છે. હુન્નર દ્વારા લોકો માત્ર હલાલ રોજગારી મેળવી શકે છે એટલું જ નહીં, પરંતુ પોતાનો સમય પણ સારી રીતે વાપરી શકે છે અને પરિવાર માટે સ્થાયી આવકનો સ્ત્રોત ઊભો કરી શકે છે." તેમણે તાલીમાર્થી બહેનો તથા ટ્રેનર બહેનોને આત્મનિર્ભર બનવા માટે પ્રોત્સાહિત કર્યા અને સંસ્થા પરિવાર દ્વારા આ તાલીમ કેન્દ્રો ચલાવવા બદલ હાર્દિક આભાર વ્યક્ત કર્યો હતો.
સંસ્થાના પ્રમુખ હાજી મોહંમદભાઈ આગરીયા એ ટેલીફોન દ્વારા શુભેચ્છાઓ પાઠવતાં જણાવ્યું હતું કે, "ઈત્તિહાદુલ મુસ્લેમીન-એ હિન્દ ટ્રસ્ટનો મુખ્ય ઉદ્દેશ્ય દરેક ધર્મ અને દરેક સમાજના લોકોને આવા તાલીમ વર્ગો દ્વારા સાચા અર્થમાં સ્વનિર્ભર બનાવવાનો છે. જેથી તેઓ પોતાના પરિવાર, સમાજ તથા દેશના વિકાસમાં સક્રિય ફાળો આપી શકે." તેમણે ઉપસ્થિત તમામ તાલીમાર્થી બહેનોનું અભિવાદન કરતાં તેમના ઉજ્વળ ભવિષ્ય માટે હાર્દિક શુભકામનાઓ પણ પાઠવી હતી.
આ તાલીમ કેન્દ્રોમાં મુખ્યત્વે સિવણ-કઢાઈ જેવા વ્યવહારુ કૌશલ્યોની તાલીમ આપવામાં આવે છે, જેનાથી મહિલાઓ ઘર બેઠે પોતાનો વ્યવસાય શરૂ કરી શકે છે અને આર્થિક રીતે મજબૂત બની શકે છે. સંસ્થા દ્વારા કચ્છ જિલ્લામાં અનેક ગામોમાં આવા કેન્દ્રો ચલાવવામાં આવી રહ્યા છે, જેનાથી સેંકડો મહિલાઓને લાભ મળી રહ્યો છે. આ કાર્યક્રમ સફળતાપૂર્વક પૂર્ણ થયો અને તમામ ઉપસ્થિતોએ સંસ્થાના આ પ્રયાસોની પ્રશંસા કરી હતી. આવા પ્રયાસો દ્વારા સમાજમાં સકારાત્મક ફેરફાર આવે અને વધુને વધુ મહિલાઓ આત્મનિર્ભર બને તેવી શુભેચ્છા સંસ્થા પરિવાર દ્વારા પાઠવવામાં આવી હતી. એવું સંસ્થા ના પ્રવક્તા જલાલશા સૈયદ ની યાદીમાં જણાવ્યું હતું. રિપોર્ટર રમજાન રાયમા ઐયર કચ્છ
