કચ્છ જિલ્લાના વક્ફ ટ્રસ્ટોને UMEED પોર્ટલમાં નોંધણી માટે વધુ સમયવધારો આપવા ગુજરાત રાજ્ય વક્ફ ટ્રિબ્યુનલ સમક્ષ અરજી

 


કચ્છ જિલ્લાના વિવિધ વક્ફ ટ્રસ્ટો, દરગાહો, મસ્જિદો, કબ્રસ્તાનો તથા અન્ય વક્ફ મિલકતોને કેન્દ્ર સરકારના UMEED પોર્ટલ પર નોંધણી અને જરૂરી વિગતો અપલોડ કરવાની પ્રક્રિયા પૂર્ણ કરવા માટે વધુ 4 (ચાર) મહિનાનો સમયવધારો આપવામાં આવે તેવી માંગ સાથે 'કચ્છ જિલ્લા વક્ફ સુરક્ષા સમિતિ નાં અધ્યક્ષ' પીર સૈયદ કૌસરઅલીશાહ હાજી મખદુમઅલી બાપુ (મુતવલ્લી , એનાયતશાહ બાપુ ની દરગાહ અને તકિયા વક્ફ ટ્રસ્ટ) એ ગુજરાત રાજ્ય વક્ફ ટ્રિબ્યુનલ, ગાંધીનગર સમક્ષ અરજી દાખલ કરી છે. આ અરજી અને કચ્છ જિલ્લાના વસ્ફોના હિતોની રક્ષા માટે કરવામાં આવેલા પ્રયાસોમાં અખિલ કચ્છ સુન્ની મુસ્લિમ હિતરક્ષક સમિતિના પ્રમુખશ્રી સલીમભાઈ જત, શ્રી અબ્દુલભાઈ રાયમા તેમજ અન્ય આગેવાનો દ્વારા મહત્વપૂર્ણ સહયોગ અને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. તેમણે કચ્છ જિલ્લાના વિવિધ વક્ફ ટ્રસ્ટો અને સંસ્થાઓ નાં પ્રશ્નો ને ધ્યાન માં રાખી ને સમયવધારા ની માંગ ને સમર્થન આપ્યું હતું તથા વક્ફ મિલકતો ના સંરક્ષણ અને કાનૂની હિતોની જાળવણી માટે સતત પ્રયત્નશીલ રહેવાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી હતી. આ અરજી કચ્છ જિલ્લાના વક્ફોના હિત, સંરક્ષણ અને કાનૂની અધિકારો જળવાઈ રહે તે હેતુથી કરવામાં આવી છે. અરજીમાં જણાવાયું છે કે કચ્છ જિલ્લામાં આવેલી અનેક વક્ફ સંસ્થાઓ હજુ સુધી UMEED પોર્ટલ પર સંપૂર્ણ નોંધણી કરી શકી નથી , જેના પાછળ અનેક વ્યવહારુ , વહીવટી તથા ઐતિહાસિક કારણો જવાબદાર છે. અરજીમાં ખાસ કરીને રજૂ કરવામાં આવ્યું છે કે વર્ષ 2001માં આવેલા વિનાશક કચ્છ ભૂકંપ દરમિયાન અનેક વક્ફ સંસ્થાઓના મહત્વપૂર્ણ દસ્તાવેજો, માલિકી નાં પુરાવાઓ , આવક નાં રેકોર્ડ, નોંધણી સંબંધિત દસ્તાવેજો, નકશાઓ, જૂની નોંધપોથીઓ તથા ઐતિહાસિક માહિતી ધરાવતા રેકોર્ડ નષ્ટ થઈ ગયા હતા અથવા કાયમ માટે ગુમ થઈ ગયા હતા. જેના કારણે આજે પણ ઘણી સંસ્થાઓને પોતાની વક્ફ મિલકતો સંબંધિત માહિતી એકત્રિત કરવામાં ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે. અરજીમાં વધુમાં જણાવાયું છે કે કચ્છ જિલ્લાના અનેક વક્ફ ટ્રસ્ટોના જૂના મુતવલ્લીઓનું અવસાન થઈ ચૂક્યું છે. તેમના કાર્યકાળ દરમિયાન રહેલા દસ્તાવેજો હાલમાં તેમના વારસદારો, અનુગામીઓ અથવા સંબંધિત વ્યક્તિઓ પાસે ઉપલબ્ધ નથી અથવા વિખેરાઈ ગયેલા છે. જેના કારણે માહિતીનું સંકલન અને પ્રમાણિકરણ કરવામાં વધુ સમય લાગી રહ્યો છે. કચ્છ જિલ્લાનો ભૌગોલિક વિસ્તાર વિશાળ અને વિખરાયેલો હોવાથી અનેક વક્ફ મિલકતો દૂરના ગ્રામ્ય અને સરહદી વિસ્તારોમાં આવેલી છે. આવા વિસ્તારોમાંથી જરૂરી દસ્તાવેજો, મિલકતની વિગતો, આવકના રેકોર્ડ અને અન્ય પુરાવાઓ એકત્રિત કરવા માટે સ્થાનિક સ્તરે તપાસ, ચકાસણી અને સંકલન કરવાની જરૂર પડે છે, જે સમય માંગી લેતી પ્રક્રિયા છે. આ ઉપરાંત વિવિધ સરકારી કચેરીઓ, રેવન્યુ વિભાગ, સબ-રજિસ્ટ્રાર કચેરીઓ, ગ્રામ પંચાયતો તથા અન્ય સંબંધિત સત્તાધિકારીઓ પાસેથી પ્રમાણિત નકલો, જમીન રેકોર્ડ, નોંધણી દસ્તાવેજો અને આવક સંબંધિત માહિતી મેળવવાની પ્રક્રિયા પણ લાંબી અને સમયસાધ્ય હોવાથી ઘણી સંસ્થાઓ નિર્ધારિત સમયમર્યાદામાં નોંધણી પૂર્ણ કરવામાં સફળ થઈ શકી નથી. અરજદાર ટ્રસ્ટે પોતે UMEED પોર્ટલ પર નોંધણી પ્રક્રિયા સફળતાપૂર્વક પૂર્ણ કરી દીધી હોવા છતાં કચ્છ જિલ્લાના બાકીના વક્ફ ટ્રસ્ટો, વક્ફ મિલકતો તથા ધાર્મિક-ધર્માદા સંસ્થાઓના વ્યાપક હિતને ધ્યાનમાં રાખીને આ જાહેર હિતની અરજી દાખલ કરી છે. અરજીનો મુખ્ય હેતુ એ છે કે કોઈપણ વક્ફ સંસ્થા માત્ર ટેકનિકલ, દસ્તાવેજી અથવા વ્યવહારુ મુશ્કેલીઓના કારણે નોંધણીથી વંચિત ન રહે અને ભવિષ્યમાં તેના કાનૂની અધિકારો અથવા મિલકતોને નુકસાન ન પહોંચે. આ મુદ્દે કચ્છ જિલ્લા વક્ફ સુરક્ષા સમિતિ દ્વારા પણ ચિંતા વ્યક્ત કરવામાં આવી છે અને સમિતિએ કચ્છ જિલ્લાના તમામ વક્ફ ટ્રસ્ટો, મુતવલ્લીઓ અને સંચાલકોના હિતમાં યોગ્ય સમયવધારો આપવામાં આવે તેવી માંગને સમર્થન આપ્યું છે. સમિતિનું માનવું છે કે પૂરતો સમય મળવાથી બાકી રહેલી તમામ વક્ફ સંસ્થાઓ યોગ્ય દસ્તાવેજીકરણ સાથે નોંધણી પૂર્ણ કરી શકશે અને વક્ફ મિલકતોનું કાનૂની રક્ષણ વધુ મજબૂત બનશે. આ અરજી એડવોકેટ નીતિશ એમ. નાયર મારફતે ગુજરાત રાજ્ય વક્ફ ટ્રિબ્યુનલ, ગાંધીનગર સમક્ષ દાખલ કરવામાં આવી છે. ગુજરાત રાજ્ય વક્ફ ટ્રિબ્યુનલ દ્વારા આ અરજીની પ્રથમ સુનાવણી તા. 10-06-2026ના રોજ ગાંધીનગર ખાતે નિર્ધારિત કરવામાં આવી છે. કચ્છ જિલ્લાના વક્ફ ટ્રસ્ટો, મુતવલ્લીઓ તથા સંબંધિત સંસ્થાઓ આ મામલાની સુનાવણી તરફ આશાભરી નજરે જોઈ રહ્યા છે અને સમયવધારો મળવાથી નોંધણી પ્રક્રિયા વધુ અસરકારક રીતે પૂર્ણ થઈ શકશે તેવી અપેક્ષા વ્યક્ત કરી રહ્યા છે.? જાહેર હિતમાં પ્રસિદ્ધ.? કચ્છ જિલ્લા વક્ફ સુરક્ષા સમિતિ

રિપોર્ટર રમજાન રાયમા ઐયર કચ્છ

Popular posts from this blog

યાકુબ મુતવા ને કલેકટર ઓફિસમાં ખુલ્લેઆમ ધારાસભ્ય પ્રદુમનસિંહ જાડેજા આપી ધમકી

ઇત્તિહાદુલ મુસ્લેમીન-એ-હિન્દ ટ્રસ્ટ દ્વારા ચાલતા લુણી મધ્યે ના સ્વનિર્ભર તાલીમ કેન્દ્ર ની તાલીમાર્થી બહેનો ને પ્રમાણપત્ર એનાયત કરાયા

નખત્રાણા તાલુકાના આમારા તથા ખીરસરા(નેત્રા) ગામોની સીમ વિસ્તારમાં આવેલ અલગ-અલગ પવનચક્કીઓમાં લાગેલ અર્થિંગ કોપર વાયરની ચોરીનો ભેદ ઉકેલી એક ઇસમને મુદ્દામાલ સાથે પકડી પાડતી નખત્રાણા પોલીસ